અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો અંતિમ સંસ્કાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેમને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે અમરાવતી નદીના ધસમસતા પાણીમાં જીવના જોખમે ઉતરવું પડે છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ આદિવાસી સમાજના એક વ્યક્તિનું અવસાન થતાં તેની અંતિમ વિધિ માટે ડાઘુઓ ગળા સુધીના પાણીમાં ઉતરી નનામી લઈ જવા મજબૂર બન્યા હતા. આ સમસ્યા નવી નથી. ગત વર્ષે પણ એક વ્યક્તિના અંતિમ સંસ્કાર વેળા નદી પાર કરતી વખતે બે લોકો ડૂબી જતાં તેમના મોત નિપજ્યા હતા.સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે અનેકવાર સરકારી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.
પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા અમરાવતી નદી પર બ્રિજ બનાવવામાં આવે જેથી અંતિમ સંસ્કાર જેવી આવશ્યક વિધિ માટે તેમને જીવના જોખમે નદી પાર કરવી ન પડે.આ સમસ્યાનું નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે કારણ કે દર વખતે અંતિમયાત્રા કાઢતી વખતે લોકોના જીવ જોખમમાં મુકાય છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા છે.

