તાપી: આજરોજ તાપીના વાલોડ-મહુવા વિધાનસભાના આદિવાસી ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાપી કલેક્ટરને એક પત્ર લખી 73AA હેઠળના જમીન વેચાણ અંગે સંકલન સમિતિની મંજૂરી અને પ્રક્રિયા પર ઘણા સવાલો ઊભા કરી ચર્ચાનો મધપૂડો છંસેડીયો છે.
પત્રમાં ધારાસભ્ય ઢોડિયાએ કુલ 7 મુદ્દાઓને આવરી લેતાં 73AA ની કામગીરીમાં પારદર્શિતા અંગે શંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે, તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી 73AA અને નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોના વેચાણ માટે બિન આદિવાસી વ્યક્તિઓને પરવાનગીઓ આપવામાં આવી છે ? તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, આ મુદ્દા તાપી જિલ્લાના આદિવાસી સમુદાયને સીધા સ્પર્શે છે અને આ માટે પારદર્શક અને સંવેદનશીલ દૃષ્ટિકોણથી નિર્ણય લેવો જરૂરી છે.
ધારાસભ્યના કહેવા મુજબ, આ વિષય માત્ર વ્યવસાયિક નથી, પરંતુ આદિવાસી અધિકાર, જમીન સુરક્ષા અને ન્યાયના મુદ્દાઓ સાથે જોડાયેલો છે. આ પત્રના આધારે હવે તાપી જિલ્લામાં 73AA સંબંધી કામગીરી પર નવી ચર્ચા શરૂ થવાની સંભાવના છે, તથા કલેક્ટર કચેરી પાસેથી આ અંગે સ્પષ્ટતા અપાય તેવી માંગ પણ ઉભરી છે.

