વાલિયા: આજરોજ વાલિયા તાલુકાના વટારીયા ગામે આવેલ એક કોલેજમાં અભ્યાસ કરતા ચાર જેટલા વિધાથીઓએ સામાન્ય બોલાચાલીમાં એક અન્ય વિધ્યાર્થીને કોલેજ બહાર માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વિધ્યાર્થીને વાલિઆ સરકારી દવાખાને સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.
Decision News ને આ ઘટના વિષે વાલિયા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર વટારીયા ગામે આવેલ UPL યુનિવર્સિટીની કોલેજ ખાતે BSCના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ફૈઝાન મયુદ્દીન રાજ રહે. રાજપારડી તા.ઝઘડિયાના 24 મી ના બપોરના સમયે કોલેજમાં કલાસ રૂમ બહાર તેના મિત્ર સાથે ઉભો હતો, તે દરમિયાન શિવમ નામનો વિધ્યાર્થી ત્યાં આવીને કહેવા લાગેલ કે મારી સામે આંખો કાઢીને કેમ જોવે છે, તેમ કહીને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો, તે ફૈઝાનની નજીક આવતા ફૈઝાને ઘકકો માર્યો હતો. તે સમયે સાંઇરામ, યશ અને પુંજન નામના વિધાર્થીઓ પણ ત્યાં આવી ગયા હતા. આ લોકો ફૈઝાન સાથે ઝઘડો કરવા લાગ્યા હતા, અને પૂંજને જતાજતા તેને કહ્યું હતું કે તું કોલેજની બહાર આવ પછી તને જોઈ લઇશું, તેવી ધમકી આપીને તે લોકો જતા રહેલા ત્યારબાદ સાંજના સાડા ચાર વાગ્યાના સમયે ફૈઝાન તેના મિત્ર સાથે બહાર નિકળતા ઉપરોક્ત ચારે મિત્રો ફૈઝાનને કોલેજથી બહાર અંકલેશ્વર તરફના રોડ પર લઇ ગયા હતા, અને તેની સાથે ગાળા ગાળી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. આ ઝઘડા દરમિયાન ફૈઝાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તે લોકોએ હાથમાં પહેરેલ કડાથી ફૈઝાનને થીઠ તેમજ માથાના ભાગે મારતા ફૈઝાનના માથાના ભાગે ગંભીર ઇજા થતા લોહી નીકળવા લાગ્યું હતું.
ઇજાગ્રસ્ત ફૈઝાનને સારવાર માટે વાલિઆ સરકારી દવાખાને લઇ જવાયો હતો,ત્યારબાદ ઘટનાની જાણ થતાં રાજપારડીથી ફૈઝાનના પિતા મયુદ્દીનભાઇ આવી જતા ફૈઝાનને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. ઘટના સંદર્ભે વાલિયા પોલીસે ફૈઝાન રાજની ફરિયાદ મુજબ ઉપરોક્ત ચાર વિધ્યાર્થીઓ શિવમ મનોજકુમાર ડોંગરે, સાંઇરામ પ્રદીપકુમાર ગજ્જર, યશ સંજયભાઇ જાની ત્રણેય રહે. ભરૂચ તેમજ પુંજન રસીકભાઇ બેરા રહે. અંકલેશ્વરના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

