ગુજરાત: વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાત રાજયના વિસ્તારોમાં જર્જરિત થયેલી સરકારી શાળાઓ અને આંગણવાડીઓનું નદીઓ પરના પુલોની જેમ તાત્કાલિક ધોરણે સાચો રિવ્યુ કરાવવા આદિવાસી સમાજના યુથલીડર ડો. નિરવ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમા ગતરોજ શાળાનું બિલ્ડીંગ તૂટી પડતા 7 જેટલાં વિદ્યાર્થીઓનું કરુણ મૃત્યુ નીપજ્યું અને 29 જેટલાં બાળકોને વધતી ઓછી ઈજાઓ પહોંચી છે. નાના બાળકોના અકાળે મૃત્યુના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યઘાત પડ્યા છે. આ બાબતે આદિવાસી યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમા ઘણી જગ્યાએ સરકારી શાળાઓ અને તેમાં પણ ઘણી આંગણવાડીઓ ખુબ જ જર્જરિત હાલતમા જોવા મળી રહેલ છે. આંગણવાડીઓ બાબતે તો હું છેલ્લા 3 વર્ષોમાં વારંવાર રજૂઆત કરી જ ચુક્યો છું તેમ છતાં માત્ર લેટરનો આપલે જ થાય છે અને તંત્ર જેટલીવાર ફરિયાદ કરું છું તેટલા સમય માટે થોડીવાર માટે હરકતમા આવે છે અને પછી પાછું જૈસે થે સ્થિતિમાં આવી જાય છે.
તેમણે વધુમાં કહ્યું કે ગંભીરા બ્રિજ દુર્ઘટના પહેલા સ્થાનીકોએ વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં આખા રાજયના તમામ બ્રીજ નોર્મલ છે એવા જ રિપોર્ટ આર&બી વિભાગ દ્વારા સબમિટ કરવામાં આવેલ હતાં, પરંતુ ગંભીરા બ્રિજ તૂટતાં સરકારે કડક આદેશ આપતાં 134 બ્રિજ અવરજ્વર માટે અયોગ્ય નીકળ્યા. આજે રાજસ્થાનમા ઝાલાવાડની શાળામાં છત તૂટી પડવાની ગંભીર ઘટનામા 7 બાળકો મૃત્યુ પામ્યા, અને દેશના ભવિષ્ય પર વધુ એક અંધકાર છવાયો. ભૂતકાળમા માતર હોય કે અનેક જગ્યાએ જવાબદાર કર્મચારિઓની બેદરકારીના લીધે અનેક દુર્ઘટનાઓ ઘટી છે અને ફૂલ જેવા કોમળ ભૂલકાઓ જેમણે હજુ જિંદગી જોઈ નથી, સમજી નથી તેવા ફુલડાઓ કમોતે વિદાય લઇ ચુક્યા છે. માટે બ્રીજોની જેમ સરકારી શાળા, કોલેજો અને આંગણવાડીઓનું તાત્કાલિક કડક નિરીક્ષણ કરાવવામાં આવે જેનાથી રાજસ્થાન ઝાલાવાડ જેવી મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય અન્યથા અમોએ સામાજિક આગેવાન હોવાના નાતે ઘણી જગ્યાએ વિઝિટ કરેલ છે તેને લઈને કહી શક્યે છીએ કે અહીંયા પણ મોટી દુર્ઘટના થવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી. માટે આ બાબતને ગંભીરતા લઇ ત્વરિત કાર્યવાહી કરવાનાં આદેશ આપશો એવી મુખ્યમંત્રીને લાગણીશીલ અપીલ છે.

