નવસારી: આજે નવસારીની શાંતાદેવી વિસ્તારમાં આવેલી કામધેનુ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા આવેલી DGVCL ટીમ અને સોસાયટીના રહિશો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સોસાયટીમાં આ પાંચમી વખત છે જ્યારે સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.
આજે વીજ કંપનીના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સોસાયટીમાં આવ્યા પરંતુ સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટર લગાવવા દીધા નહીં. તેમની માંગ હતી કે જ્યારે અન્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે, ત્યારે જ તેઓ પોતાની સોસાયટીમાં મીટર લગાવવા દેશે.
સોસાયટીમાં રહેતી કાશ્મીરાબેન પટેલે જણાવે છે કે, “વીજ કંપની અમારી સોસાયટીમાં જ કેમ સ્માર્ટ મીટર નાખવા માંગે છે ? અમે મિડલ ક્લાસ છીએ એટલે ? આજે પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપનીના કર્મચારીઓ જબરદસ્તી મીટર નાખવા આવ્યા છે. અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી. અહીં રોજ કમાઈને રોજ ખાનારા લોકો છે. સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવે છે. આ મીટર સરકાર માન્ય નથી. પહેલા આખા નવસારીમાં મીટર નાખો, પછી અમારે ત્યાં આવો.
સોસાયટીના રહીશો કહે છે કે “છેલ્લા પાંચ મહિનાથી અમારે ત્યાં મીટર નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે સ્માર્ટ મીટર નાખવા માંગતા નથી તેવી અરજી DGVCL ઓફિસે કરી છે, પણ કોઈ જવાબ મળ્યો નથી. શું અમે ગુંડા છીએ કે પોલીસની જરૂર પડે ?

