ધરમપુર: ગતરોજ ધરમપુરના ખાંડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ‘‘અમૃતપેય’’નું આયોજન કરાયું. જેમાં 0 થી 12 વર્ષના દરેક બાળકોને સુવર્ણાપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા, વિદ્યાર્થીઓને ઉકાળો પણ પીવડાવાયો હતો.

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ કચેરી ગાંધીનગરની પ્રેરણાથી અને વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયુષ ગ્રામ અંતર્ગત સોમવારે ધરમપુર તાલુકાના ખાંડા ગામમાં આવેલા સરકારી આયુર્વેદીક દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ્ય ભાવિનકુમાર આર.ચૌધરી દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન હેઠળ બાળકો તંદુરસ્ત રહેશે તો દેશનું ભવિષ્ય તંદુરસ્ત રહેશે એવા શુભ આશય સાથે બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય અંગે ખાંડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને રોગપ્રતિરોધક હર્બલ ટી “અમૃતપેય” પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં ઋતુગત થતા રોગોથી બચવા ઉકાળાનું પણ વિતરણ કરાયું હતું. ત્યારબાદ ૦ થી ૧૨ વર્ષના દરેક બાળકોને સુવર્ણાપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આ સાથે જ આયુર્વેદ ઔષધી રોપા હરડે, બહેડા, આમળા, કરંજ, વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ ગ્રામ પત્રિકા તેમજ આહાર વિહાર અંગેની સમજ આપતી પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આયુર્વેદ કિટનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં આચાર્યશ્રી હિનલબેન લાડ હાજર હતા. આ કેમ્પમાં ડૉ.ભાવિન આર ચૌધરી, સેવક યતેન્દ્ર ગવળી, યોગ ઇન્સ્ટ્રક્ટર રમણભાઇ તેમજ આશાબેને યોગ પ્રાણાયામ કરાવી તેના ફાયદાની સમજ આપી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here