વલસાડ: વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના હિતમાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.વલસાડ જિલ્લામાં 70 ટકા વિસ્તાર ખેતી પર નિર્ભર છે. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણની ખરીદી કરી વાવેતર કર્યું છે.
Decision News ને મળેલી માહિતી ડાંગરની ખેતી માટે યુરિયા ખાતર અત્યંત આવશ્યક છે. સરકારે 2024-25માં ગત વર્ષની તુલનાએ ખાતર ફાળવણીમાં ઘટાડો કર્યો છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ રેલી યોજી હતી. તેઓએ ‘ખેડૂતોને ન્યાય આપો’ અને ‘ખેડૂતોને ખાતર આપો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે સરકારી કંપનીઓ નેનો યુરિયા અને નેનો DAP આપી રહી છે. આ ખાતર ખેતી માટે યોગ્ય નથી અને ખેડૂતો માટે વ્યવહારુ પણ નથી. ખાતરની અછતથી ડાંગરની ખેતીને નુકસાન થવાની આશંકા છે.કોંગ્રેસે કલેક્ટર સમક્ષ માગણી કરી છે કે જિલ્લામાં યુરિયા અને અન્ય જરૂરી ખાતરનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. જેથી ખેડૂતોને રાહત મળી શકે.

            
		








