આહવા: ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવામાં સરકારી આવાસ યોજનાના અમલીકરણને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે બહારથી આવેલા પરપ્રાંતીયોને આવાસ યોજનાનો લાભ તત્કાળ મળી જાય છે અને તેઓ ટૂંકાગાળામાં જ પાકાં મકાનો બનાવી લે છે, જ્યારે વર્ષોથી અહીં વસતા સ્થાનિક આદિવાસીઓ અને જરૂરિયાતમંદ પરિવારોને યોજનાનો લાભ મેળવવા માટે સરકારી કચેરીઓના અસંખ્ય ધક્કા ખાવા પડે છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આહવામાં બહારથી આવીને વસવાટ કરનારા લોકોને આવાસ યોજના હેઠળ મકાનો ઝડપથી મંજૂર થઈ જાય છે. તેમને હપ્તાની ચૂકવણીમાં પણ કોઈ મુશ્કેલી નડતી નથી અને અહીં લાંબો સમય રોકાય તે પહેલાં જ તેમને યોજનાનો લાભ મળવાનો શરૂ થઈ જાય છે. પરિણામે, આવા લાભાર્થીઓ આવાસ યોજનાના નામે બે માળના પાકાં મકાનો બનાવી લેતા હોવાના કિસ્સાઓ સામાન્ય બન્યા છે.
બીજી તરફ, સ્થાનિક ગરીબ પરિવારો જ્યારે આવાસ સહાય માટે અરજી કરે છે, ત્યારે અધિકારીઓ નિયમો અને કાયદાઓની લાંબી યાદી બતાવી તેમને સહાયથી વંચિત રાખે છે. આના કારણે સ્થાનિકોમાં એવી પ્રબળ લાગણી પ્રવર્તી રહી છે કે જાણે અધિકારીઓ પરપ્રાંતીયો પાસેથી “ટકાવારી” લઈને તેમને મકાનો બનાવવામાં મદદ કરી રહ્યા હોય.
એક સ્થાનિક રહીશે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “અમે ઓફિસોના આટા મારી મારીને થાકી ગયા છીએ. હવે તો એમ બોલવા મજબૂર બન્યા છીએ કે, અમને આવાસ યોજના નથી જોઈતી, અમે કાચા ઘરોમાં જ ખુશ છીએ!” આ પરિસ્થિતિ આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં સ્થાનિકોને મળવાપાત્ર લાભોથી વંચિત રાખતી હોવાની ગંભીર ચિંતા ઊભી કરે છે.
આ મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી, આવાસ યોજનાના લાભો સ્થાનિક જરૂરિયાતમંદ પરિવારોને પણ સમાન અને ઝડપી રીતે મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી સ્થાનિકોમાં પ્રવર્તતો અન્યાય દૂર થઈ શકે અને યોજનાનો સાચો હેતુ સિદ્ધ થઈ શકે.

