નર્મદા: નર્મદા જિલ્લામાં વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ કથળી ગઈ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડયા છે.આ બિસ્માર રસ્તાના કારણે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને સ્ટેચ્યુ ઑફ યુનિટીથી રાજપીપળા સુધીનો માર્ગ સૌથી વધુ પ્રભાવિત થયો છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એસ. એચ. મોદીના જણાવ્યા અનુસાર, હાલ ખાડા પૂરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં પણ ખાડા જોવા મળશે, ત્યાં તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવશે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે પ્રવાસીઓના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. ખાડામાં વાહન પડતા બગડી ગઈ હતી. લોકોએ તંત્ર પાસે રસ્તાની તાત્કાલિક મરામતની માંગણી કરી છે. નર્મદા જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં રસ્તાઓની મરામતનું કામ ચાલી રહ્યું છે. તો આ રસ્તો પણ વહેલી તકે બને તેવી માંગ છે.

