ભરૂચ: આમોદ શહેરના વોર્ડ નંબર બેમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક મહિલાઓએ આમોદ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી ધરણા કર્યા છે. વાંટા વિસ્તાર, માલી ફળિયું, રબારીવાડ અને પાટીદાર ફળિયાની મહિલાઓએ મુખ્ય અધિકારીની કચેરીએ પહોંચી પાણી માટે રજૂઆત કરી છે.
સ્થાનિકો એ જણાવ્યા મુજબ, વિસ્તારમાં 242 પાણી કનેક્શન હોવા છતાં 24 કલાક પાણીની સુવિધા મળતી નથી. આ ઉપરાંત વિસ્તારમાં ભૂગર્ભ ગટરો પણ ઉભરાઈ રહી છે. Decision News ને મળેલ માહિતી મુજબ મહિલાઓએ આરોપ મૂક્યો છે કે વારંવાર રજૂઆત છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.
પીવાનું અને નાહવા માટે પાણીની અછતથી રહેવાસીઓ પરેશાન છે. નગરપાલિકા પ્રમુખ કચેરીમાં હાજર ન હોવાથી મહિલાઓએ તેમના રાજીનામાની માગણી કરી છે. મુખ્ય અધિકારી પંકજ નાયકે વહેલી તકે પાણી સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આમોદ નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની માગ કરવામાં આવી રહી છે.

