રાજપીપલા: રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટી કલેક્ટર ડીસી-1 વિધુબેન ખૈતાન અને કલેક્ટર કચેરીના સ્ટાફે આકસ્મિક તપાસ હાથ ધરી. તેમણે હોસ્પિટલના વિવિધ વોર્ડ અને સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું.નર્મદા જિલ્લાની આ સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જી.ઇ.એમ.આર.એસ. મેડિકલ કોલેજ સાથે સંલગ્ન છે. અહીં સાગબારા, દેડિયાપાડા, નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વરના દર્દીઓ સારવાર મેળવે છે.
Decision News ને મળેલ માહિતી મુજબ આદિવાસી સમાજ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે.તપાસ દરમિયાન ડોક્ટર અને સ્ટાફ નર્સની હાજરી ચકાસવામાં આવી. કોન્ટ્રાક્ટ બેઝ પર કાર્યરત સ્વીપર અને કર્મચારીઓના હાજરી પત્રકની તપાસ કરાઈ. દવાના સ્ટોર અને બ્લડ સેન્ટરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું.
રોગી કલ્યાણ સમિતિના સભ્યો વિરાજબા જાડેજા, ભારતીબેન તડવી અને જયેશભાઈ દેસાઈએ દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો. તેમણે પંખા, પાણી અને ભોજનની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી. ટોઇલેટની સ્વચ્છતા, સર્જરીના સાધનો અને એક્સ-રે મશીનની પણ તપાસ કરી.આ તપાસનો મુખ્ય હેતુ દર્દીઓને ઝડપી અને સરળ સારવાર મળે તે સુનિશ્ચિત કરવાનો હતો. સિવિલ હોસ્પિટલના ડૉ. નયનભાઈ કોઈટીયા ની હાજરીમાં આ સઘન તપાસ હાથ ધરવામાં આવી.

