ડાંગ: ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલનાં હનવતચોંડ ગામ અને નડગખાદીને જોડતા માર્ગ પર રાત્રિ દરમિયાન દીપડો લટાર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે.

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના હનવંતચોડ અને નડગખાદી ગામ વચ્ચેના મુખ્ય માર્ગ પર દીપડાના આંટાફેરાથી સ્થાનિક ગ્રામજનોમાં દહેશત વ્યાપી ગઈ છે. Decision News ને મળેલી માહિતી મુજબ આ ઘટનાનો વીડિયો ગામના યુવાને પોતાના મોબાઈલમાં કેદ કરીને વહેતો કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાત્રિના સમયે દીપડો કોઈપણ જાતના ડર વિના જાહેર રસ્તા પર શાંતિથી ચાલી રહ્યો છે.આ દૃશ્ય સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે આ રસ્તો બન્ને ગામોના લોકો માટે અવરજવરનો મુખ્ય માર્ગ છે. રાત્રિના સમયે ખેડૂતો, મજૂરો અને અન્ય ગ્રામજનો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે.

હવે દીપડાના આવા ખુલ્લેઆમ આંટાફેરાથી લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે, જેના કારણે દૈનિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડી રહી છે.આવા કિસ્સામાં ઘણીવાર માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ બને છે, જેમાં ક્યારેક માનવજીવનને પણ જોખમ ઊભું થાય છે. હનવતચોંડ અને નડગખાદી જેવા ગામોમાં દીપડાની હાજરી કોઈ નવી વાત નથી, પરંતુ જાહેર રસ્તા પર આ રીતે દીપડો ફરતો જોવા મળવો એ ગંભીર બાબત છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here