વાંસદા: વાંસદા તાલુકામાં શાળામાં ભણતા 10 વર્ષથી અંદરની વયના વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી શિષ્યવૃત્તિને લઈ લીમઝર બીઓબી બ્રાન્ચમાં અંદાજિત 400થી વધુ એકાઉન્ટ ખોલાવ્યાને એક માસ કરતા વધુ સમય થયો છે છતાં હજુ સુધી વિદ્યાર્થીઓના એકાઉન્ટ એક્ટિવ નહીં થતા હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
વાંસદા તાલુકાના લીમઝર બીઓબી બ્રાન્ચમાં શાળામાં ભણતા 10 વર્ષથી નીચેની ઉંમરના વિદ્યાર્થીઓને સરકારમાંથી શિષ્યવૃત્તિ મળે છે. જેના માટે બેંકમાં અંદાજિત 400 વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિ ખાતામાં જમા થાય તે માટે એક માસથી વધુ સમય પહેલા એકાઉન્ટ ખોલાવ્યા હતા. જે હજુ સુધી એકટીવ ના થતા વિદ્યાર્થી તેમજ વાલીઓને મુશ્કેલી વેઠવી પડી છે. હાલમાં ગામોમાં વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે અવાર નવાર ખેતી માટે ખાતર બીજ લેવા માટે જવું પડતું હોવાથી ઘણાં વાલીઓને સમય મળતો નથી અને બીજી બાજુ વિદ્યાર્થીઓના એકાઉન્ટ માટે વારેઘડીએ બેંકમાં આંટાફેરા મારવા વાલીઓ મજબૂર બન્યા છે.
લીમઝર બીઓબી બ્રાન્ચ મેનેજરએ લૂલો બચાવ કરી જણાવ્યું કે 10 વર્ષથી ઉપરની ઉંમરવાળાના એકાઉન્ટ તો બ્રાન્ચમાં 15 મિનિટમાં ખુલી જાય છે. એકાઉન્ટ માટે લાઇન લાગે છે, જ્યારે કામ કરવાવાળો કર્મચારી એક જ હોય છે, સ્ટાફની પણ ઘટ છે.વાંસદા, પ્રતાપનગર, સીતાપુર અને પીપલખેડ જેવી બ્રાંચમાં ફોર્મ માટે જ સીધી ના પાડે છે વાંસદા તાલુકામાં આવેલી બીજી બીઓબીની બ્રાંચમાં ફોર્મ પણ આપતા નથી અને ખાતા ખોલવા માટે ના પાડે છે.

