વઘઇ: ડાંગ જિલ્લાનાં વઘઈમાં રહેતા એક યુવકે 786 નંબરવાળી ચલણી નોટના બહાને રૂ. 37,650ની છેતરપિંડી થઈ હોવાની વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વઘઈમાં મજૂરી અને છૂટક કામ કરીને ગુજરાન ચલાવતા 24 વર્ષીય તાજુદીનખાન પઠાણ (મહેરાજુદીખાન)ને 8 જૂન 2025નાં રોજ ફેસબુક પર 786 નંબરની નોટ વેચવાની એક જાહેરાત જોવા મળી હતી.
આ જાહેરાતમાં આપેલા નંબર પર વોટ્સએપ દ્વારા ‘ૐ’ નો મેસેજ મોકલતા, સામેથી એક અજાણ્યા શખ્સે હિન્દીમાં વોઈસ મેસેજ મોકલીને જણાવ્યું હતું કે 786 નંબરની નોટ માટે રૂ. 1.27 લાખ મળશે. આ લાલચમાં આવીને યુવકે પોતાની 500 રૂપિયાની 786 નંબરની ચલણી નોટનો ફોટો મોકલી આપ્યો હતો, ત્યારબાદ ઠગ શખ્સે યુવકને કહ્યું કે રૂ. 500ની 786 સિરિઝની નોટ માટે થોડી પ્રક્રિયા કર્યા બાદ રૂ. 1.27 લાખ આપવામાં આવશે અને તેના માટે આઇડી બનાવવું પડશે.
આ રીતે યુવક પાસેથી અલગ-અલગ 6 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 37650 ઠગે પડાવી લીધા હતા. જોકે ત્યારબાદ પણ ઠગ દ્વારા વધુ પૈસાની માંગણી કરાતા યુવકને સાયબર ફ્રોડનો શિકાર બન્યો હોવાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે યુવકે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ કરી હતી. યુવકે વઘઈ પોલીસ મથકે અજાણ્યા ઠગ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

