નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કપડવંજ ગામમાં દીપડાએ આંતક મચાવ્યો હતો. ગામમાં ચાર લોકો પર હુમલો કર્યો હતો. જે બાદ દીપડો એક ઘરમાં ઘુસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વનવિભાગે સૌથી પહેલા મકાનને ચારે બાજુ થી બંધ કરી દીધું હતું. જે બાદ ઘરમાં ધમપછાડા કરનાર દીપડાને ઇન્જેક્શનથી બેહોશ કરી પાંજરે પૂર્યો હતો.

ઈજાગ્રસ્તોના લોકો

  1. કાળુંભાઈ માંદાભાઈ ભોયા, (ઉ.વ.40)
  2. પ્રતાપભાઈ શંકરભાઈ ધૂમ, (ઉ.વ.35)
  3. પ્રતિકભાઈ સુભાષભાઈ માહલા, (ઉ.વ.25)
  4. ગીરીશભાઈ, (ઉ.વ.35)

પશુનો શિકાર કરવાના ઇરાદે દીપડો આવી પહોંચ્યો: ગતરોજ બપોરે 1:30 મિનિટે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બોર્ડર વિલેજ ગણાતા કપડવંજ ગામમાં નીચલા ફળિયામાં દીપડો પશુનો શિકાર કરવાના ઇરાદે આવી પહોંચ્યો હતો. જ્યાં તેનો સામનો ત્યાં રહેતા સ્થાનિકો સાથે થયો હતો. આ દરમિયાન દીપડાએ ત્યાં આંતક મચાવી 4 લોકો પર હુમલો કરી દીધો હતો. જે બાદ ગીરીશભાઈ મહાકાળના ઘરમાં ઘૂસી ગયો હતો.

દીપડો અન્ય લોકોને ઈજા ન પહોંચાડે તે માટે ઘરને ચારે બાજુથી બંધ કરાયું: આ ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને દીપડો અન્ય લોકોને ઈજાગ્રસ્ત ન કરે તે માટે ઘરને ચારે બાજુથી બંધ કરી દીધું હતું.

દીપડાને તાત્કાલિક ગામથી બહાર લઈ જવાયો: વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પુરવા માટે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે ગનની મદદ લીધી હતી અને તેના શરીરમાં ઈન્જેશન મારી દીપડાને બેહોશ કર્યો હતો. જે બાદ માત્ર 20 મિનિટમાં તેને ઘરમાંથી બહાર કાઢી પાંજરામાં પૂર્યો હતો. જોકે, સમગ્ર રેસ્કયું ઓપરેશન પાંચ કલાક સુધી ચાલ્યું હતું. વનવિભાગની ટીમે દીપડાને તાત્કાલિક ગામથી બહાર લઈ જઈ સુરક્ષિત જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરી હતી.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા: આ અંગે માહિતી આપતાં વન અધિકારી જે. ડી. રાઠોડ જણાવે છે કે, આજે બપોરે વન્યપ્રાણી દીપડો ઢોરના શિકાર કરવાના ઇરાદે કપડવંજ ગામમાં પ્રવેશ્યો હતો. અને ચાર જેટલા લોકોને તેણે ઈજાગ્રસ્ત કર્યા હતા. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને પાંચ કલાકની મહેનત બાદ દીપડાને બેહોશ કરી સફળતાપૂર્વક રેસ્કયું કરવામાં આવ્યો છે.

વાંસદા તાલુકામાં અગાઉ પણ દીપડાના હુમલાની ઘટનાઓ બની હતી: ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વાંસદા તાલુકાના વિવિધ ગામોમાં દીપડાના હુમલાની ઘટનાઓ બની છે. છેલ્લા કેટલાક સમયમાં ત્રણથી વધુ ઘટનાઓમાં દીપડાએ એક બાળકી, એક બાળક અને એક વૃદ્ધ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ભયભીત થયા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here