નવસારી: નવસારી શહેરના શાકભાજી માર્કેટમાં વાહન પાર્કિંગને લઈને મહાનગરપાલિકા (NMC) કર્મચારીઓ અને રીક્ષા ચાલક વચ્ચે વિવાદ સર્જાયો છે. શાકભાજી માર્કેટમાં રસ્તા વચ્ચે પાર્ક કરેલી રીક્ષાને પાલિકાએ ડિટેઈન કરતાં મામલો બિચક્યો હતો.કમિશનર ગૌરવકુમાર વાસાણીના જણાવ્યા અનુસાર, શાકભાજી માર્કેટમાં ટ્રાફિક જામની સમસ્યા અંગે તેમના દ્વારા કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં રીક્ષા સહિતના વાહનોના કારણે ટ્રાફિક જામની ફરિયાદો મળી રહી હતી. વિવાદનું મુખ્ય કારણ ત્યારે સર્જાયું જ્યારે સિક્યુરિટી ગાર્ડે શાકભાજી માર્કેટમાંથી રીક્ષા હટાવવાનો પ્રયાસ કર્યો. રીક્ષા ચાલકે સિક્યુરિટી ગાર્ડના અધિકારક્ષેત્ર સામે પ્રશ્ન ઉઠાવ્યો અને બંને વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું.
મહાનગરપાલિકાના કર્મચારીઓએ રીક્ષા ડિટેઈન કરતાં રીક્ષા ચાલક વધુ ગુસ્સે થયો હતો. કર્મચારીઓએ ટ્રાફિક પોલીસની જેમ દંડ વસૂલવાનો પ્રયાસ કરતાં પરિસ્થિતિ વણસી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

