વલસાડ: વલસાડ રેલવે સ્ટેશન પર એક ચકચારી ઘટના સામે આવી છે. સ્ટેશન પર રહેતા ભિક્ષુક પરિવારની 9 વર્ષની બાળકી સાથે એક આધેડ વયના કુલીએ અશોભનીય વર્તન કર્યું છે. બાળકી વેઇટિંગ રૂમના બાથરૂમમાં ગઈ ત્યારે કુલીએ તેનો પીછો કર્યો હતો. આરોપીએ બાળકીને લોભામણી લાલચો આપી તેને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બાળકી સાથે અડપલાં કર્યા હતા.

Decision News ને મળેલી માહિતી અનુસાર સતર્ક બાળકી તરત જ વેઇટિંગ રૂમમાંથી બહાર દોડી આવી હતી. પ્લેટફોર્મ નંબર એક પર બાળકીની બૂમો સાંભળી તેના પરિવારજનો દોડી આવ્યા હતા. પરિવારે તરત જ વલસાડ GRPને જાણ કરી હતી. GRP પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે વેઇટિંગ રૂમના CCTV ફૂટેજ મેળવ્યા છે. આરોપી અને બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે.

રેલવે DySP ડી એચ ગોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બાળકી, પરિવારના સભ્યો અને એક રેલ યાત્રીનું નિવેદન નોંધ્યું છે. CCTV ફૂટેજ અને સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ રેલવે સ્ટેશન પર મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે. વલસાડ શહેરમાં આ ઘટનાએ ભારે આક્રોશ ફેલાવ્યો છે.