તાપી: તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે 56ની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. વાપીથી શામળાજી સુધી જોડતા આ હાઈવે પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે.વ્યારાના ઉનાઇ નાકા પાસે આવેલ મીંઢોળા નદીના બ્રિજ પર 5 ઈંચ જેટલા ઊંડા ખાડા પડયા છે.
આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે. વ્યારાના પાનવાડી વિસ્તારમાં ચંદનવાડી સોસાયટી પાસે પણ મોટા ખાડાઓ જોવા મળે છે. અહીં 5 ઈંચ ઊંડા અને 7થી 10 ફૂટ લાંબા ખાડાઓનો સમૂહ છે.સ્થાનિક વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. કેટલાક વાહનોના ટ્રાય એંગલ તૂટી ગયા છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન આ સમસ્યા સર્જાય છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય મરામત કરવામાં આવતી નથી.આ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે. લોકોને આગામી દિવસોમાં પણ આ બિસ્માર માર્ગ પરથી પસાર થવું પડશે.
રાહદારીએ જણાવ્યું કે, હું ધંધા પર જતો હતો ત્યારે રસ્તા પર ખાડા વધારે હોવાથી ગાડી સાઈડ પરથી લેવા છતા ખાડામાં ઘૂસી જતાં એક બાજુનું વ્હિલ ખાડામાં જતા ગાડીની એક્સેલ તૂટ્યું છે. અંદાજે 5000 થી વઘુનો ખર્ચ થશે.ખાડા પુરાય તો સારૂ રહેશે ઘણાં લોકો પરેશાન થઈ રહ્યા છે.

