પારડી: વલસાડ જિલ્લામાં દર વર્ષે ભ્રસ્ટાચારી આર & બી વિભાગના લીધે ચોમાસામા રોડ ખોદાય જ જાય છે અને કેટલાય નિર્દોષ લોકો મોતને ભેંટતા હોય છે તો પણ નિષ્ઠૂર તંત્રના પેટનું પાણી હલતું નથી.ગતરોજ વલસાડ પારડી હાઇવે પર હેલ્મેટ પહેરીને જતો યુવક અચાનક ખાડો આવી જતાં પડી જાય છે અને તેજ ક્ષણે બાજુમાંથી આવતા ટ્રકની નીચે કચડાય જાય છે.અને ઘટનાસ્થળે એ વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજે છે. આ ઘટનાથી સમગ્ર વલસાડવાસીઓ અને રાહદારીઓમા ભારે આક્રોશ ફેલાયો હતો.
આ બાબતે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે ભારે આક્રોશ સાથે ગુજરાત રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને વલસાડ કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આડેહાથ લીધા હતાં અને આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા વિગતે જણાવતાં ડો.નિરવ પટેલે કહ્યું હતું કે અમારા જેવા યુવા આગેવાનો સરકારી વિભાગોમાં પત્ર લખ્યે એટલે બસ પત્રો અહિયાથી ત્યાં ફોરવર્ડ થાય છે પણ કામ કઈ થતું નથી.હકીકતમા જિલ્લા કલેકટરની જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના અધ્યક્ષ તરીકે ખરાબ રસ્તા અને એના લીધે થતાં અકસ્માતોમા થતાં મૃત્યુ અથવા જાનમાલના નુકસાન બદલ મોટર વેહિકલ અમેન્ડમેન્ટ એક્ટ-2019 ની કલમ 198 અને બીએનએસ 125 હેઠળ આર & બી ના ભ્રસ્ટાચારી કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવાની થતી હોય છે અને પોલિસનું કામ ગુનો નોંધવાનું હોય છે.
આ બાબતે અત્યારસુધી આર& બી વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી વારંવાર રજુઆતો કરેલ છતાં જિલ્લા એસપી દ્વારા આ બાબત આર & બી વિભાગને લગતી ફરિયાદ છે એમ કરીને અરજીઓ તબદીલ કરી દિધેલ હતી.તો શુ હવે ગુનો નોંધવાની કામગીરી પણ ભ્રસ્ટાચારના કીચડમા આળોટતુ આર& બી વિભાગ જ કરશે?અરજદારોને મૂર્ખ સમજીને આલોકો બસ એકબીજાને ખો જ આપતાં ફરતા હોય છે અને સામાન્ય જનતાને ન્યાય અપાવવાની પોતાની જવાબદારીઓમાંથી માત્ર છટકબારીઓ જ શોધતા હોય છે.એના લીધે આ ભ્રસ્ટાચારીઓ પોતાનો વાળ પણ કોઈ વાંકો નહીં વાળી શકે એવા મિથ્યાભીમાનમા રાચતા થઇ ગયેલા છે.પરંતુ હવે જનતા થાકી ગઈ છે આ ભ્રસ્ટાચારીઓના આતંકથી માટે તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયામા લોકો ભરી ભરીને ભ્રસ્ટ તંત્રને ગાળો આપતી હોય છે. અત્યારે અમારા જેવા યુવા આગેવાનો આંદોલન કરીશું તો તરત જ પોલિસ ખોટા ગુનાઓ લગાડી દેશે પણ એલોકોને ખાડાઓ પડે એવા નબળા રસ્તાઓ બનાવી લાખો લોકોને માનવસર્જિત યાતનાઓ આપનારા ભ્રસ્ટાચારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનું નથી દેખાતું.અત્યારે અમે આવી કડવી વાણી ઉચ્ચાર્યે એટલે સિસ્ટમ વિરોધી અને પોલિસ વિરોધી કહી દેવામાં આવશે પણ સમસ્યાનું સમાધાન નહીં શોધવામાં આવે.
જો કલેકટરશ્રી અને જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો અમે મહાન જનનાયક બિરસા મુંડાજી અને ગાંધીજીના ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ ચાલુ કરીશું અને આવા ભ્રસ્ટાચારી લોકો વિરુદ્ધ નામદાર અદાલતમાં કાયદાકીય કાર્યવાહી પણ કરીશું અને એની તમામ જવાબદારીઓ વલસાડ જિલ્લા પ્રશાશનની રહેશે અને વલસાડના યુવાનોને પણ અમારું આહવાહ્નન છે કે ભ્રસ્ટાચાર વિરુદ્ધ ખુલીને બોલશો તો જ એનો અંત આવશે.દરેકને સમાજમાં ભગતસિંહ જોઈએ છે પણ શરત એટલી કે પોતાના ઘરમાંથી નહીં એ માનસિકતા બદલવી પડશે તો જ ન્યાય મળશે અન્યથા અન્યાયનો ભોગ જ બનતા રહેવું પડશે.

