વાપી: વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલુ છે. આ કારણે વાહન વ્યવહાર પરનો પ્રતિબંધ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવ્યો છે. વલસાડના જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ આ અંગેનું જાહેરનામું બહાર પાડયું છે.
કાર્યપાલક ઈજનેરની વિનંતીને ધ્યાને લઈને અગાઉ 31 મે 2025 સુધી મૂકાયેલો પ્રતિબંધ હવે 1 જુલાઈથી 31 ડિસેમ્બર 2025 સુધી વધારવામાં આવ્યો છે. રેલવે ચેનેજ 172/16-18 વિસ્તારમાં આવેલા આ બ્રિજને તોડવાની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી.ભારે વાહનો બલીઠા ફાટક પરથી પસાર થઈ શકશે. જોકે સવારે 10થી 12 અને સાંજે 5થી 8 દરમિયાન માત્ર સ્કૂલ બસ અને એસટી બસને જ મંજૂરી રહેશે. 3.5 મીટર સુધીની ઊંચાઈના નાના વાહનો માટે રેલવે અન્ડરપાસ, નવી ફાટક, કબ્રસ્તાન રોડ અને કસ્ટમ રોડ ઉપલબ્ધ છે.
મુંબઈ-દમણ રૂટ માટે મોહનગામ ફાટક અને નાહુલી અન્ડરપાસનો ઉપયોગ કરી શકાશે. વલસાડ-સુરત-દમણ તરફ જવા માટે મોતીવાડા ઓવરબ્રિજ તમામ વાહનો માટે ખુલ્લો રહેશે. જૂના ગરનાળા અન્ડરપાસમાંથી માત્ર દ્વિચક્રી વાહનો જ પસાર થઈ શકશે.વાપી-ચાલા વચ્ચેનો હયાત બ્રિજ સંપૂર્ણપણે તોડી પડાય ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થા અમલમાં રહેશે. આ નિર્ણય ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યો છે.

