બોડેલી: બોડેલી તાલુકાના બાંગપુરા ગામમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક હસમુખભાઇ છોટાભાઈ બારિયા અને માંકણી જિલ્લા પંચાયત બેઠકના સદસ્યના પતિ દ્વારા રાત્રે સાડા દસ વાગ્યે અનાજની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ગ્રામજનોને આ અંગે જાણ થતાં તેમણે દુકાન પર પહોંચી તપાસ કરી હતી. તેમણે તરત જ બોડેલી પોલીસ અને મામલતદારને જાણ કરી હતી. સવા અગિયાર વાગ્યે બોડેલીના વહીવટી નાયબ મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
નાયબ મામલતદારે ગ્રામજનો દ્વારા પકડાયેલો ઘઉં, ચોખા અને ખાંડનો જથ્થો કબજે લઈને એક રૂમમાં સીલ કરી દીધો હતો. દુકાનદારને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ મામલે વહીવટી નાયબ મામલતદારે રોજકામ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

