વલસાડ: વલસાડ જિલ્લા પોલીસે ઓગષ્ટ 2023થી શરૂ કરેલા મિશન મિલાપ અભિયાન હેઠળ 1230 ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ નોંધપાત્ર કામગીરી માટે વલસાડ પોલીસને દિલ્હીમાં રાષ્ટ્રીય SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
એસ.પી. ડૉ. કરનરાજ વાઘેલાના નેતૃત્વમાં શરૂ થયેલું આ અભિયાન ગુજરાતમાં એક માત્ર છે. અભિયાન અંતર્ગત 430 અપહૃત બાળકો અને 800 પુખ્ત વયના વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે. તાજેતરમાં વાપીથી ગુમ થયેલી એક સગીરાને માત્ર 12 કલાકમાં મહારાષ્ટ્રમાંથી શોધી કાઢવામાં આવી હતી.પોલીસની ડીસ્ટાફ ટીમ અને M.O.B શાખાએ જૂના કેસોની માહિતી ચકાસી છે. ટેક્નિકલ સર્વેલન્સ અને માનવીય ગુપ્તચર માહિતીના આધારે અનેક રાજ્યોમાં શોધખોળ કરવામાં આવી છે.
પોલીસના સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના કિશોરો નાની બાબતોમાં ચિડાઈ જવા, મોબાઈલ ન મળવો, ગેમ્સ રમવાની મનાઈ અને અભ્યાસની ટકોર જેવા કારણોસર ઘર છોડી જાય છે. મિશન મિલાપ થકી વલસાડ પોલીસે સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પણ માનવીય સંવેદના માટે પણ કાર્યરત છે.

