ભરૂચ: ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં આરોપીઓના આજે ગુરૂવારના રોજ રીમાન્ડ પુરા થઇ રહયાં છે ત્યારે પોલીસે તપાસને વેગવંતી બનાવી છે. પોલીસની એક ટીમ વેરાવળમાં મુરલીધર અને જલારામ એજન્સીની ઓફિસમાંથી અગત્યના દસ્તાવેજો શોધી રહી છે. પોલીસે હીરા જોટવાની ઓફિસમાં પણ તપાસ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં હીરા જોટવા એન્ડ કંપનીએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે.
મનરેગા યોજના હેઠળના કામોમાં શ્રમિકોનો ઉપયોગ કર્યા વિના યાંત્રિક રીતે રસ્તાઓ બનાવી દીધાં છે. ઓછુ મટીરીયલ વાપરીને વધારે મટીરીયલના બિલ મુકીને સરકારી તિજોરીમાંથી પૈસા પડાવી લેવામાં આવ્યાં છે. હાલ તો 56 ગામમાં 7.30 કરોડનું કૌભાંડ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.અત્યાર સુધીમાં હીરા જોટવા તેના દીકરા દિગ્વિજય જોટવા સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના રીમાન્ડ પુરા થતાં હોવાથી તેમને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભરૂચ પોલીસની એક ટીમે વેરાવળમાં ધામા નાંખ્યાં છે. હીરા જોટવાની કંપનીઓ તથા તેમના પરિવારના ખાતામાં અત્યાર સુધીમાં 5.82 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યાં છે.
બંને એજન્સીઓની ઓફિસમાં તપાસ કરી મહત્વના દસ્તાવેજો મેળવવામાં આવી રહયાં છે. આ તબક્કે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હોવાનું જણાવી રહી છે પણ આરોપીઓ સામેના કેસને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરવામાં સીટની ટીમ કામે લાગી છે.ભરૂચ પોલીસ આરોપીઓના કોર્ટમાં વધુ રીમાન્ડની માગણી કરે તેવી સંભાવના રહેલી છે. હિરા જોટવાની પણ ભરૂચ પોલીસ, પુછપરછ કરી રહી છે.

