વાપી:વાપીથી ગુમ વિદ્યાર્થીની બીજા દિવસે મુંબઇના બોરીવલી સ્ટેશનેથી મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં પરીક્ષામાં માર્ક્સ ઓછા આવતા તે ડરીને ઘરેથી પોતે જ નીકળી ગઇ હોવાનું બહાર આવ્યું છે.વાપી ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકી સોમવારે સાંજે 7.30 કલાકે ઘરેથી ગુમ થઇ ગઇ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ પરિજનોએ તેની શોધખોળ હાથ ધર્યા બાદ કોઇ જગ્યાએ પત્તો ન લાગતા સોશિયલ મીડિયામાં બાળકીનો ફોટો વાયરલ કરી તેને શોધી લાવનારને એક લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરાઈ હતી. આ વચ્ચે પોલીસે શોધખોળ કરતા બીજા દિવસે મંગળવારે બપોરે બાળકી મુંબઇના બોરીવલી સ્ટેશનેથી મળી આવી હતી.
આરપીએફના જવાનોએ તેની જાણ વલસાડ જિલ્લા પોલીસને કરતા પોલીસ સાથે તેના વાલીઓ બોરીવલી પહોંચ્યા હતા અને મંગળવારે મોડી રાત્રે તેને વાપી લઇ આવ્યા હતા. બુધવારે બાળકીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા પરિવારથી ડરીને તે પોતે ટ્રેન પકડીને મુંબઇ જતી રહી હતી. જ્યાં એક શાહ પરિવારે તેને જોઇ આરપીએફને સંપર્ક કરતા પોલીસે તેનો કબજો મેળવ્યો હતો.

