કપરાડા: વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે.. અહીંથી નાના મોટા ઝરણા અને ધોધ વહી રહ્યા છે.. જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે. ત્યારે વલસાડના કપરાડાના સિલ્ધા ગામમાં કરજપાડા ફળીયામાં આવેલ માવલી ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે.
આ વખતે માવલી ધોધમાં પણ ભરપૂર પાણીની આવક થઈ રહી છે. આથી ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળે છે. સિલ્ધા ગામનો માવલી ધોધ ચોમાસાના અંતમાં પણ વહેતો જોવા મળે છે. આથી ડુંગરની તળેટીમાં વસેલ આ સિલ્ધા ગામ અત્યારે સ્વર્ગ સમું દેખાય છે.ચારે તરફ ડુંગર અને તેના પર હરિયાળી જાણે ધરતી પર લીલીછમ ચાદર બિછાવી હોય એમ લાગે છે.
અહીથી વહેતા નાના મોટા ઝરણાં પ્રકૃતિ પ્રેમીઓના મન મોહવા કાફી છે.માવલી વોટરફોલ અહીની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યો છે. માવલી ધોધમા પાણીની ભરપૂર આવક થઈ રહી હોવાથી ધોધનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.કપરાડાના જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધની આજુબાજુનો અદભુત નઝરાની સાથે સાથે મોટા ભાગના પ્રવાસીઓ આ ધોધથી અજાણ છે. આથી આ ધોધને પણ વિકસાવામાં આવે તો આ વિસ્તારમાં લોકોને રોજગારીનો નવો અવસર પણ મળી શકે છે.

