ભરૂચ: ભરૂચમાં ઝાડેશ્વરથી તાવરા સુધીના માર્ગ પર આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. તાવરા બસ સ્ટેન્ડ નજીક એક ખાનગી કંપનીની લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી. કર્મચારીઓને પિકઅપ કરવા જતી આ બસ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
આ માર્ગ છેલ્લા કેટલાક સમયથી ખરાબ સ્થિતિમાં છે. હાલમાં તંત્ર દ્વારા રસ્તાના મરામતના કામો ચાલી રહ્યા છે. આ કારણે વહીવટી તંત્રે રસ્તાને વન-વે જાહેર કર્યો છે. દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર સવારના સમયે ખાનગી કંપનીઓની બસો વધુ ઝડપે દોડે છે.
બસ સંચાલકોએ વન-વે ટ્રાફિકના નિર્ણયની સમીક્ષા માટે કલેક્ટરને રજૂઆત કરી છે. તેઓએ બસ સેવા માટે યોગ્ય માર્ગદર્શિકા બનાવવાની માગ પણ કરી છે. જો તંત્ર યોગ્ય પગલાં ન લે તો આવી ઘટનાઓ ફરી બની શકે છે.

