વાપી: વાપીના રાતામાં પુલ ઉપરથી ખાડીમાં કૂદેલી મહિલાને ત્યાંથી પસાર થતા લોકો અને ગ્રામજનોએ હેમખેમ બહાર કાઢી લેતા જીવ બચ્યો હતો. બહાર કાઢતી વખતે મહિલા એક જ રટણ કરતી હતી કે, ઘરમાં દેવું વધી જતા તે કંટાળી ગઈ હતી. જોકે તબિયત લથડવાથી તેને હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
વાપી નજીક રાતા ખાડીના પુલ ઉપરથી એક મહિલા ગતરોજ બપોરે અચાનક જ નીચે ખાડીમાં કૂદી પડી હતી. તે સમયે ત્યાંથી પસાર થતો બાઇક ચાલક પણ બાઈક પાર્ક કરી ખાડીમાં કૂદી પડયો હતો. મહિલા તણાઇને સ્મશાન ઘાટ સુધી પહોંચી જતા ત્યાં હાજર ત્રણ ગ્રામજનો તેને બચાવવા ખાડીમાં કૂદયા હતા અને પાણીના પ્રવાહમાંથી હેમખેમ તેને બહાર કાઢતા મહિલાનો જીવ બચ્યો હતો.
બહાર કાઢયા બાદ ખાડીમાં કૂદવા પાછળનું કારણ પૂછતાં તે એક જ વાત કરી રહી હતી કે, દેવું વધી ગયું છે ઘરમાં હાલત ખૂબ જ ખરાબ છે. જોકે તેની તબિયત લથડવાના કારણે સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મહિલા ખોડિયાર નગરમાં રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

