વલસાડ: વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે ડેમમાં 42,698 ક્યુસેક પાણીની આવક થતાં ડેમનું લેવલ 70.65 મીટરે પહોંચ્યું છે. આ સ્થિતિમાં ડેમનું રુલ લેવલ જાળવવા માટે 7 દરવાજા 1.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

દમણગંગા નદીમાં દર કલાકે 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પગલાંને લઈને દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના કપરાડા, વાપી અને ઉમરગામના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.વલસાડ જિલ્લા કલેક્ટર, દાદરા નગર હવેલી અને દમણના કલેક્ટર વચ્ચે વર્ચુઅલ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ડેમના ઉપરવાસમાં થતા વરસાદ અને દરિયાઈ ભરતીને ધ્યાનમાં રાખીને પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.

સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને નદીમાં કપડાં ધોવા, ન્હાવા કે માછીમારી કરવા જવા પર પ્રતિબંધ મૂક્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા દ્વારા તટવર્તી ગામોના સરપંચો અને અગ્રણીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. ખાસ કરીને નદીના વહેતા પાણી સાથે સેલ્ફી લેવા કે માછીમારી માટે આવતા લોકોને રોકવા માટે વિશેષ તકેદારી રાખવાનું સૂચન કરવામાં આવ્યું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here