વલસાડ: રાજ્ય વ્યાપી કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ તથા આંગણવાડી પ્રવેશોત્સવની ઉજવણી વલસાડ જિલ્લામાં 26, 27- 28 જૂનના રોજ કરવામાં આવી હતી. જેમાં 1357કુમાર અને 1324 કન્યા મળી કુલ 2681 બાળકોનો આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
નાના-નાના ભૂલકાંઓ માટે પ્રવેશોત્સવનો દિવસ યાદગાર બની રહે તે માટે આંગણવાડી કેન્દ્રો સજાવી ભૂલકાંઓને અવનવી રીતે પ્રેમભર્યો આવકાર આપી ભૂલકાંઓને બગીની જેમ શણગારેલા બળદગાડામાં, ફુગ્ગાઓથી સજ્જ સાઇકલ અને રિક્ષામાં, ગાડી પર ઢોલ વગાડીને ઉત્સાહભેર કંકુ પગલાં કરવામાં આવ્યા હતાં.Decision Newsને મળેલ માહિતી મુજબ સ્કૂલબેગ, ટિફિનબોક્સ, પાણીની બોટલો, છત્રી, સ્લેટ, કલર્સ વગેરે જેવી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહન, વિવિધ વિભાગના સચિવો અને ઉપસચિવો, કલેક્ટર ભવ્ય વર્મા, એસપી ડો.કરણરાજ વાઘેલા અને વલસાડ, ધરમપુર, કપરાડા અને ઉમરગામના ધારાસભ્યો ભરત પટેલ, અરવિંદ પટેલ, જીતુ ચૌધરી અને રમણલાલ પાટકર, નગરપાલિકા વહીવટી કમિશનર, જિ. પં.પ્રમુખ મનહરભાઈ પટેલ, ડીડીઓ અતિરાગ ચપલોત, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નિલમ પટેલ, સરપંચ અને સભ્યો દ્વારા પ્રવેશપાત્ર બાળકોને કીટ આપી હુંફાળો આવકાર આપવામાં આવ્યો હતો.

