સુરત: સુરત શહેરમાંથી એક ચોંકાવનારો દ્રશ્ય વાઇરલ થયો છે, જેણે સુરત મહાનગરપાલિકા સંચાલિત BRTS સેવાઓની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. આ દ્રશ્યોમાં BRTS બસની અંદર વરસાદી પાણી પડતું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે, જેના કારણે મુસાફરોને બસમાં જ છત્રી ખોલીને બેસવાનો વારો આવ્યો હતો. દ્રશ્ય વાઇરલ થતાં લોકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે.વાઇરલ થયેલો આ દ્રશ્યોમાં રૂટ નંબર 22 (સરથાણાથી કોસાડ) પર જતી એક BRTS બસનો હોવાનું જાણવા મળ્યું છે.
દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાલુ બસે મુસાફરો વરસાદી પાણીમાં ભીંજાઈ રહ્યા છે. કેટલાક મુસાફરોએ તો પાણીથી બચવા માટે પોતાની છત્રી ખોલીને માથે ઓઢી હતી. આ દ્રશ્યો જોતા BRTS બસોની જાળવણી અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે BRTS પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાનો મહત્ત્વનો ભાગ છે. ત્યારે આવી બેદરકારી સામે આવતા નાગરિકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.
લોકો સોશિયલ મીડિયા પર સુરત મહાનગરપાલિકાને ટેગ કરીને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અને BRTS બસોની જાળવણી સુનિશ્ચિત કરવા માગ કરી રહ્યા છે.આ ઘટના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે એક લાલબત્તી સમાન છે. ચોમાસાની શરૂઆત થતાં જ BRTS જેવી મહત્ત્વની સેવાઓમાં આવી ખામીઓ સામે આવવી એ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલે છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો વરસાદની મોસમમાં મુસાફરોની હાલાકી વધુ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

