ભરૂચ: અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના અલમીના પાર્કના સાજેદાબેન સલીમભાઈ મિસ્ટર, મુમતાઝ પાર્કના અલ્તાફ હુસેન ઈસ્માઈલ પટેલ અને જંબુસરના સારોદ ગામના સાહિલ સલીમભાઈ પટેલનું મોત નિપજ્યું હતું.
પરિવારજનોના DNA ટેસ્ટ બાદ 72 કલાકની પ્રક્રિયા પૂર્ણ થતાં રવિવારે મોડી રાત્રે મૃતદેહ ભરૂચ લાવવામાં આવ્યા હતા. સાહિલ પટેલના મૃતદેહને સારોદ ગામમાં લાવતાં તેમની માતા અને બહેનના રુદનથી ગ્રામજનો વ્યથિત થયા હતા. ત્યાર બાદ ગામના કબ્રસ્તાનમાં તેની દફન વિધિ કરવામાં આવી હતી. જ્યારે ભરૂચના અલમીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ પણ મોડી રાત્રિના વહીવટી તંત્રની મદદથી તેમના નિવાસ સ્થાને લાવ્યા બાદ રાત્રિના જ તેમની દફન વિધિ કરવામાં આવી હતી.
દફન વિધિમાં સોસાયટી અને વિસ્તારના જાગૃત નાગરિક અબ્દુલ કામથી,પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો જોડાયા હતા.જ્યારે મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુશેન ઈસ્માઈલ પટેલના મૃતદેહ તેમના વતન કોલાવણા ગામમાં લઈ જઈને આજે સવારે ગામનાં કબ્રસ્તાનમાં તેમની દફન વિધિ કરવામાં આવી હતી. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ઓળખ માટે સરકાર દ્વારા DNA ટેસ્ટની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. આ ત્રણેય પરિવારોના DNA ટેસ્ટ મેચ થતાં તેમને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા.

