ભરૂચ: ભરુચ: ગતરોજ ભરૂચના હાંસોટ તાલુકા પોલીસ મથકનાં પીઆઈનાં રાઇટર તથા ડ્રાઇવરનો અન્ય વ્યક્તિઓ સાથે દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે જેમાં પીઆઈનો રાઇટર ડાન્સ કરી મનોરંજન પૂરું પાડી રહ્યાનું દેખાય છે.
Decision news ને મળતી માહિતી અનુસાર હાંસોટ તાલુકા પોલીસ મથકનાં પીઆઈનાં રાઇટર હિતેશભાઈ તથા પોલીસની ગાડી ચલાવતો ડ્રાઇવર તથા અન્ય ઇસમો એક મકાનમાં દારૂની મહેફિલ જમાવી ડાન્સ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ખાખી પર દાગ લગાવતા પોલીસકર્મીઓ સામે હવે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરશે તેને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ છે.
માહિતી મુજબ, બે દિવસ અગાઉ જ ભરુચ એલસીબી પોલીસે બે પોલીસકર્મીઓ સામે ચાલુ ફરજ દરમિયાન દારૂનું સેવન કરવાનાં મામલે ફરિયાદ દાખલ કરી હતી. સમગ્ર વાઇરલ વીડિયો મુદ્દે હાંસોટ પોલીસ મથકનાં પી.આઈ કે.વી લાકોડિયાનો સંપર્ક કરતા તેઓ પણ આ વાતથી અજાણ હોય જેથી તેમણે પણ મીડિયા પાસેથી વીડિયો મેળવી તેમાં દેખાતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.
નોંધ: આ વિડીયોની પુષ્ટિ Decision News કરતું નથી.

