વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બે અલગ અલગ દિવસે છેતરપિંડીના બે બનાવ સામે આવતા ચકચાર મચી છે. ગઠિયાઓએ દાનના બહાને વિશ્વાસમાં લઈ દુકાનદાર અને મહિલાને સોનાની ચેઇન આપવી પાડવી અને ત્યારબાદ પથ્થરવાળું પડીકું આપી ફરાર થઈ જવાનો ચોંકાવનારો પ્રકાર સામે આવ્યો છે.

ઘટના 1: ડાંગ જિલ્લાના ગંગપુરના વતની અને હાલમાં નાનાપોંઢા શાકભાજી માર્કેટમાં દુકાન ચલાવતા જયમાબેન કિરણભાઈ ચૌધરી સાથે સાબિત થયેલી છેતરપિંડીમાં અજાણ્યો ઈસમ તેની દુકાને આવીને પહેલાં ખરીદી કરી. ત્યારબાદ મંદિર દાન માટે 2000 રૂપિયાનું પડીકું આપીને જયમાબેન પાસે સોનાની વસ્તુ અડાડવાની દલીલ કરી. તેમણે પોતાની સોનાની ચેઇન (અંદાજે 10 હજાર રૂપિયાની) કાઢી આપી ગઠિયો પાંચ મિનિટ પછી ખોલવાનું કહી કાગળનું પડીકું આપી ફરાર થઈ ગયો. પડીકું ખોલતાં તેમાં પથ્થર મળ્યા હતા. નજીકની ફૂટવેરની દુકાનના CCTVમાં આરોપી નંબર વગરની બ્લેક યુનિકોર્ન બાઈક પર હેલ્મેટ પહેરી ફરાર થતાં દેખાયો. પીડિતાએ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટના 2: કપરાડા તાલુકાના મોટાપોંઢાના “પ્રિયાંક પાનહાઉસ” ચલાવતા 63 વર્ષીય કિર્તીકુમાર ભીખુભાઈ પટેલને પણ આવી જ રીતે દાનના બહાને ઠગવામાં આવ્યા. બપોરે બે અજાણ્યા શખ્સો બાઈક પર આવી દુકાનેથી બિસ્કિટ અને સિગારેટની ખરીદી કરી. પછી “મંદિર માટે દાન આપવાનું છે, ઘરમાં સોનાની ચીજ છે શું?” એમ કહી વિશ્વાસ મેળવ્યો. દુકાનદારે 25.750 ગ્રામની સોનાની ચેઇન કાઢી આપી. આરોપીઓએ તે ચેઇન અને નકલી કાગળનું પડીકું કાપડની થેલીમાં મૂકી કાઉન્ટરના નીચે રાખ્યું અને થોડીવારમાં ખોલવા કહ્યું. થેલીમાં પડેલા પથ્થરો જોઈને દુકાનદારના હોશ ઊડી ગયા. ચેઇનની કિંમત અંદાજે રૂ. 1,65,187 થાય છે. ફરીયાદ કપરાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

દોઢ અઠવાડિયામાં આવી છેતરપિંડીની બે ઘટનાઓ સામે આવતા પોલીસ પણ હરકતમાં આવી છે. બંને બનાવમાં આરોપીઓએ બ્લેક કલરની બાઈક, હેલ્મેટ તથા ટોપી વડે ઓળખ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અને લોકલ સ્રોતો દ્વારા શોધખોળ શરૂ કરી છે.આ પ્રકારની છેતરપિંડીને કારણે વેપારીઓ અને મહિલાઓએ અજાણ્યા શખ્સો પાસેથી આવી દાનસંદર્ભી વાતો આવતા સતર્ક રહેવું જોઈએ. કોઈ પણ સોનાની વસ્તુ અન્ય કોઈની સાથે વિના પુષ્ટિ આપવી નહીં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here