સુરત: સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા ગીતા પાર્ક-2 વિસ્તારમાં રહેતા પશુપાલક અમિત શ્રીનિવાસ યાદવની ત્રણ ભેંસો ભેંસો અચાનક ગુમ થઈ ગઈ છે. શોધખોળ કર્યા છતાં કોઈ ભેંસો મળી નહીં, જેના પગલે તેમણે તાત્કાલિક સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પરંતુ ત્યાં સુધી કતલખાને ભેંસો કપાઈ ગઈ હતી..
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સઘન તપાસ કરતાં નજીકના વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા. ટોલ નાકાની CCTV ફૂટેજમાં એક સફેદ રંગની બોલેરો પીકઅપ વાન (GJ-05AV-2708) પસાર થતી જોઈ. આશ્ચર્યની વાત એ હતી કે, વાનના પાછળના ભાગે ત્રણ ભેંસો જીવંત હાલતમાં ભરેલી સ્પષ્ટ દેખાતી હતી. ફૂટેજમાં વાનની આગળ પાછળના દૃશ્યો તેમજ ડ્રાઈવર સહિતના શખ્સોની હિલચાલ પણ સચોટ રીતે કેદ થઇ હતી.
ટોલ નાકાના CCTV ફૂટેજમાં સમય, દિશા અને વાનના નંબરના આધારે પીએમટી વિભાગ સાથે સંપર્ક કરી વાનના માલિક અને વપરાશકર્તાનું નામ શોધવામાં આવ્યું. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સો રફીક ઉર્ફે સુપડુ રશીદ કુરેશી, ઇમરાન ઇસ્માઇલ કુરેશી, અને મોહમ્મદ હુજેફા જુબેર શેખને પકડી પાડયા હતા. ત્રણેય આરોપીઓએ ભેંસોને ચોરી કર્યા બાદ કતલખાને લઈ જઈ કાપી નાખ્યાની કબૂલાત આપી હતી. સમગ્ર ઘટનાને ખૂબ આયોજનપૂર્વક અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં સૌથી મહત્વની કડી રહી CCTV ફૂટેજ. તે ફૂટેજના વિઝયુઅલ પુરાવા વગર આરોપીઓ સુધી પહોંચવું શક્ય જ ન હતું. ફૂટેજ ટ્રેકિંગ દ્વારા ટ્રાફિક પોઇન્ટ-ટુ-પોઇન્ટ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

