સુરત: સુરતમાં વધુ એક મોડલનો આપઘાત સામે આવ્યો છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ આ મામલે અઠવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Decision news ને મળતી માહિતી પ્રમાણે સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા એક ભાઈ અને એક બહેન છે. અંજલી મોડલ તરીકે અલગ અલગ કંપનીઓ સાથે કામ કરતી હતી. હાલ છેલ્લા થોડા મહિનાઓથી અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે કામ કરી રહી હતી. તે દરમિયાન અંજલીએ મોડી રાત્રે બે વાગ્યા આસપાસ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતા દરવાજો ખખડાવવા છતાં દરવાજો ન ખોલતા તોડીને પ્રવેશ કરતા અંજલી લટકતી હાલતમાં મળી આવી હતી. દીકરીના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

23 વર્ષીય યુવતી અંજલી વરમોરાએ ઘરે જ આપઘાત કરી લીધો હોવાની જાણ થતા અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ અઠવા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. હાલ તો અંજલીના આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. અંજલી રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે છેલ્લા થોડા મહિનાઓથી કામ કરી રહી હતી. જેના માટે તે સુરત અને અમદાવાદમાં કામ કરતી હતી. અંજલીની બે વર્ષ પહેલા સગાઈ થઈ ચૂકી હતી. જ્યારે પ્રાથમિક રીતે અંજલીએ માનસિક તણાવમાં આ આકરું પગલું ભરી લીધું હોવાની આ શંકા સેવવામાં આવી રહી છે. જોકે આ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here