નવસારી: નવસારી જિલ્લામાં બકરી ઈદ પર્વની ઉજવણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. એસપી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે વિશેષ પેટ્રોલિંગનું આયોજન કર્યું છે.ડીવાયએસપી એસ.કે.રાય અને પીઆઇની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફે મહાનગરપાલિકા વિસ્તારમાં પોલીસ વાન દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું છે.
પેટ્રોલિંગ દરમિયાન વિરાવળથી શરૂ કરી જૂનાથાણા વિસ્તાર, લાયબ્રેરી, પ્રજાપતિ આશ્રમ અને ચારપુલનો સમાવેશ કરવામાં આવ્યો છે.પોલીસ ટીમે લુન્સીકૂઇ ડો. આંબેડકર પ્રતિમા સર્કલ, અંબિકા ચોક, ઉસ્માની ચિકન વિસ્તાર અને શહીદ ચોકની મુલાકાત લીધી છે.
ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા ગોલવાડ, આશાનગર અને વિજલપોરના શિવાજી ચોક સુધી પેટ્રોલિંગ કર્યું છે.પેટ્રોલિંગનું સમાપન સાંઢકુવા પોલીસ મથક, જલાલપોર વિસ્તારના લીમડા ચોક થઈ જિલ્લા પોલીસ કચેરી ખાતે કરવામાં આવ્યું છે. આ સમગ્ર વ્યવસ્થા તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કરવામાં આવી છે.











