વલસાડ: વલસાડ સીટી પોલીસે માત્ર ચાર દિવસમાં કાર ચોરીના કેસનો ભેદ ઉકેલ્યો છે. 27 મે, 2025ના રોજ ફૈસલ મુનવ્વર શેખની ટાટા નેનો કાર સીટી પોલીસ સ્ટેશન પાસેથી ચોરાઈ હતી. પોલીસે 150થી વધુ CCTV કેમેરા ચેક કર્યા બાદ ગાડીનો રૂટ શોધી કાઢયો હતો. 1 જૂન, 2025ના રોજ વાંકી નદીના પુલ નજીક સર્વિસ રોડ પરથી આરોપી હિતેશ છોટુભાઈ પટેલને ચોરીની કાર સાથે પકડી પાડયો હતો. આરોપી કપરાડા તાલુકાના સુખાલા ગામનો રહેવાસી છે.
Decision news ને મળેલી માહિતી મુજબ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેણે 2019માં ટાટા નેનો કાર ખરીદી હતી. હપ્તા ન ભરી શકતા ફાઈનાન્સ કંપનીએ ગાડી જપ્ત કરી લીધી હતી. પરંતુ ત્યાર બાદ પણ તેને ગાડીના ઈ-ચલણ આવતા હતા. આ કારણે ગુસ્સામાં આવીને તેણે ડુપ્લીકેટ ચાવીથી કાર ચોરી કરી હતી.
પોલીસે રૂ. 50000ની કિંમતની ટાટા નેનો કાર, રૂ. 5000નો સેમસંગ સ્માર્ટફોન અને ડુપ્લીકેટ ચાવી જપ્ત કરી છે. આ કામગીરી પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્મા અને IGP પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

