નર્મદા: નર્મદાના સાગબારા તાલુકાના કોલવાણ ગામમાં જંગલી દીપડાના હુમલામાં મૃત્યુ પામેલી 9 વર્ષની શ્રેયલ વિશાલ વસાવાના પરિવારને વન વિભાગે 10 લાખની આર્થિક સહાય આપી છે.દીપડાએ બાળકી પર હુમલો કરી તેને ખેંચી જતાં તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ વન વિભાગ અને પોલીસે દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા હતા.
Decision news ને મળેલી માહિતી મુજબ સાંસદ મનસુખ વસાવા અને ભાજપ અધ્યક્ષ નીલ રાવે પરિવારની મુલાકાત લીધી હતી. વન સંરક્ષક પૂર્વ, ફોરેસ્ટ ઓફિસર અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં પરિવારને સાંત્વના આપી 10 લાખનો ચેક સુપરત કરવામાં આવ્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં એક સમયે ઘનઘોર જંગલો હતા. જંગલોની યોગ્ય જાળવણી ન થવાથી તે નષ્ટ થઈ રહ્યા છે. આના કારણે વન્ય પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી જાય છે. તેમણે વન વિભાગના અધિકારીઓને વધુ વૃક્ષો વાવવા અને જંગલમાં પાણી-ખોરાકની સુવિધા વધારવા સૂચના આપી છે.

