વાપી :વાપી GIDC પોલીસે મિશન મિલાપ અંતર્ગત એક ગુમ થયેલા બાળકને તેના પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા અને ઇન્ચાર્જ DySP ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વાપી GIDC પોલીસ સ્ટેશનના PI એમ.પી. પટેલની આગેવાનીમાં ગુમ થયેલા બાળકોના કેસોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે ટેકનિકલ એનાલિસિસ, સોશિયલ મીડિયા મોનીટરીંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વિવિધ ટીમો બનાવી હતી.SHE ટીમના પોલીસ કર્મચારીઓને પેટ્રોલિંગ દરમિયાન વાપી GIDC ચાર રસ્તા પાસેથી છ વર્ષનું બાળક મળ્યું હતું. બાળકને પોલીસ સ્ટેશનમાં લાવી ચોકલેટ, બિસ્કિટ અને પાણી આપીને પૂછપરછ કરવામાં આવી. બાળકે જણાવ્યું કે તેના માતા-પિતા મુંબઈમાં રહે છે અને તે સેલવાસમાં નાનાના ઘરે રહે છે.

સેલવાસ પોલીસ સ્ટેશનની મદદથી બાળકના નાનાની ઓળખ કરવામાં આવી. વાપી GIDC પોલીસે યોગ્ય ચકાસણી બાદ બાળકને તેના નાના સાથે મિલન કરાવ્યું. આમ, પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી બાળક સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે જોડાયું.