વિશાવદર: મારી મૂડી-મિલકત સંઘર્ષ, સંઘર્ષ અને સંઘર્ષ છે. મેં પોલીસ ખાતામાં સરકારી નોકરી કરી, મેં મહેસૂલ વિભાગમાં સરકારી નોકરી કરી, હું હાલમાં વકીલ છું અને દસેક વર્ષથી જાહેર જીવનમાં છું, – પરંતુ મારી પાસે મારું પોતાનું મકાન કે જમીન કે મિલકત કે મૂડી નથી એ જણાવવામાં મને સહેજ પણ શરમ નથી.

રાજનીતિ હોય કે સમાજ હોય કે વેપાર હોય, બસ ગમે તેમ (ખોટું કરીને પણ) રૂપિયાવાળા અને મિલકતવાળા થઈ જવાની હરિફાઈ હવે લોકમાનસમાં સાવ સામાન્ય બની ગઈ છે, પરંતુ મેં ક્યારેય જીવનમાં શોર્ટકટ અપનાવ્યો નથી. વર્ષ 2012 માં હું પોલીસ ખાતામાં નોકરીએ લાગ્યો ત્યારથી લઈને 2025 સુધીમાં મેં માત્ર સંઘર્ષને પ્રાથમિકતા આપી છે. મેં ક્યારેય ખોટા રસ્તે પૈસા કમાઈ લેવાની કોશિષ કરી નથી. મારી પાસે એક બાઇક, સોનું સહિત 14.18 લાખની જ સંપતિ છે.

લોકો માટે સંઘર્ષ કરતા કરતા મારા ઉપર ઢગલો પોલીસ ફરિયાદ થઈ છે અને હાલમાં 21 કરતા વધુ કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે એ મારી આજથી મોટી મૂડી અને મિલકત છે. મેં ડરીને, લલચાઈને, ભયભીત થઈને, થાકીને, કંટાળીને કે હતાશ થઈને સંઘર્ષનો રસ્તો આજદિવસ સુધી છોડ્યો નથી. આ સંઘર્ષ રસ્તે એક દશક સુધીમાં મારો સાથ આપનાર કેટલાક અંગત મિત્રોનો, મારા પરિવારનો, મને આર્થિક મદદ કરનાર સહયોગીઓનો અને માર્ગદર્શકોનો હું ખુબ ખુબ આભારી છું.

મારી શક્તિ, બુદ્ધિ અને આવડતનો ઉપયોગ માત્ર અને માત્ર લોકહિત માટે કર્યો છે એ બાબતનું મને ગર્વ છે. ચૂંટણી જીતીશ તો પણ મળી બુદ્ધિ અને આવડતનો ઉપયોગ લોકો માટે કરવાનો મારો સંકલ્પ છે પરંતુ સતત મારી મજાક ઉડાવતા ભાજપના નેતાઓ અને ભાજપની ભક્તિમાં અંધ બનેલાઓ અંધભક્તોને જણાવવાનું કે, મારી પાસે મૂડી નથી, માલ નથી કે મિલકત નથી એટલે હું ચૂંટણી હારું તો પણ મારે ગુમાવવાનું પણ કશું જ નથી.

હું સંઘર્ષનો માણસ છું.
જેમ ખેડૂતના હાથે વાવેલું એક નાનકડું બીજ ધરતી ફાડીને ઊગી નીકળે છે એમ વિસાવદરના ખેડૂતોના આશીર્વાદથી હું સત્તાની તાકાત ફાડીને સંઘર્ષના બીજ તરીકે ઉગી નીકળીશ એવો મને વિશ્વાસ છે.