નર્મદા: નર્મદા જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓએ ચકચાર મચાવી છે. સાગબારા-ડેડીયાપાડા હાઈવે પર થયેલા અકસ્માતમાં અમદાવાદના એક વ્યક્તિનું મોત થયું છે. બીજી ઘટનામાં ગરુડેશ્વર તાલુકાના ગલુપુરા ગામમાં એક મહિલા પર ડાકણના વહેમે જીવલેણ હુમલો થયો છે.

પ્રથમ ઘટનામાં, સાગબારા-ડેડીયાપાડા માર્ગ પર ભરૂચના વાલિયા તાલુકાના રામપુરા ગામના કમલેશ રવિલાલ વસાવાએ હાઈવા ટ્રક અચાનક બ્રેક મારી. પાછળથી આવી રહેલા અમદાવાદ નરોડાના સીતલપાર્કના રહેવાસી હેમંત ભીખા સોની પોતાની મોટરસાયકલ સાથે ટ્રકની પાછળ અથડાયા. માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ થતાં સરકારી દવાખાનામાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. સાગબારા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજી ઘટનામાં, ગરુડેશ્વર તાલુકાના ગલુપુરા ગામમાં અતિષભાઈ બાબુભાઈ તડવીની પત્ની ચંદ્રિકાબેન ઘરમાં એકલા સૂતા હતા. તે સમયે તેમના દિયર જયદીપ તડવીએ તેમના પર ડાકણ હોવાનો વહેમ રાખી કુહાડી વડે હુમલો કર્યો. અતિષભાઈએ વચ્ચે પડતાં આરોપીએ તેમને પણ ગાળો આપી. ગરુડેશ્વર પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.