વાપી: વાપી ગીતાનગર ખાતે નવા અન્ડરબ્રિજ પાસે રહેતી 3 વર્ષીય સાક્ષી વિનોદ ઠાકુર 22 મે 2025ના રોજ બપોરે તેની દાદી સાથે ઘરેથી નીકળ્યા બાદ બંને ગુમ થયા હતા. પોલીસે તપાસમાં ગુમ દાદી 4 દિવસ બાદ 26 તારીખે વાપી રેલવે સ્ટેશનેથી મળી આવી હતી. દાદીની પૂછપરછમાં તે મંદબુદ્ધિની હોય કંઇ પણ બોલવા સક્ષમ ન હતી.

બાળકીની માતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હજુ સુધી સાક્ષી ક્યાં છે તેની જાણ થઇ નથી. આ સાથે માતાએ જણાવ્યું કે, દાદીને એક મહિલાએ કાગળ પર ફોન નંબર લખી આપ્યા હતા. જે નંબર પર ફોન કરતા એક મહિલાએ ફોન ઉપાડી જણાવ્યું કે, બાળકી તેમની પાસે છે અને હાલ તે રાજકોટમાં તેમના નિવાસ સ્થાને સુરક્ષિત છે.

Decision News ને મળતી માહિતી મુજબ અમદાવાદ રેલવે સ્ટેશને વૃદ્ધા સાથે બાળકી દેખાતા લોકોને તેમના પર શંકા ગઇ હતી અને પૂછપરછ કરતા તે અલગ જ ભાષામાં બોલતી હોય તેને ફોન નંબર આપી બાળકીને સાથે રાખી વૃદ્ધાને પરત વાપી જતી ટ્રેનમાં બેસાડી રવાના કરાઈ હતી. વાપી ટાઉન પોલીસ રાજકોટ પહોંચી હતી અને શનિવારે બાળકીને તેના માતા-પિતા સાથે મેળાપ કરાવ્યો હતો.