નવસારી: નવસારીના કુરેલ ગામમાં રહેતા એક દંપતી યુકે વર્ક વિઝા મેળવવાના ચક્કરમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે. ગુરુકુલ પાસે આવેલી SVNM હોસ્પિટલમાં રસોઈયા તરીકે કામ કરતા દંપતીએ ઈમિગ્રેશન એજન્ટને કુલ 27.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
જુલાઈ 2023માં સંગીતાબેન ઠાકોરના પતિ પરેશભાઈને ફેસબુક પર યુકે વર્ક વિઝાની જાહેરાત જોવા મળી હતી. વડોદરા હેડ ઓફિસનો સંપર્ક કરતા તેમને સુરતના અડાજણમાં આવેલી મોનાર્ક ઈમિગ્રેશનની ઓફિસનું સરનામું આપવામાં આવ્યું હતું.ઓફિસના કર્મચારીએ વિવિધ પ્રક્રિયાઓ બતાવીને પૈસાની માગણી કરી હતી.
દંપતીએ હપ્તે હપ્તે અલગ અલગ ખાતાઓમાં કુલ 27.50 લાખ રૂપિયા જમા કરાવ્યા. બે વર્ષથી વધુ સમય વીતવા છતાં વિઝા ન મળતા દંપતીએ પૈસા પરત માંગ્યા હતા.ઈમિગ્રેશન એજન્ટ ધ્રુવ ઉર્ફે ધવલ ચૌહાણે પૈસા લઈને કામ ન કરતા સંગીતાબેન ઠાકોરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પૈસા લઈ યુકેના વર્ક વિઝા ન મેળવી આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ પીએસઆઈ કે.એમ. પાટીલને સોંપવામાં આવી છે.

