વલસાડ: વલસાડ જિલ્લાના વાપી શહેરમાં એક ત્રણ વર્ષીય બાળકીના ગુમ થવાની ઘટના સામે આવી છે. ગીતાનગર વિસ્તારમાં નવા અન્ડરબ્રિજ પાસે રહેતી સાક્ષી વિનોદ ઠાકુર 22 મે ના રોજ તેની દાદી સાથે બજારમાં ગઈ હતી. બિહારથી પ્રથમવાર વાપી આવેલા દાદી અને પૌત્રી બજારની ભીડમાં એકબીજાથી અલગ પડી ગયા હતા.
દાદી બિહારી ગ્રામ્ય ભાષા જ બોલી શકતા હોવાથી તેઓ ઘરનો રસ્તો પણ શોધી શક્યા ન હતા. ચાર દિવસ બાદ 26 મે ના રોજ દાદી વાપી રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા હતા.Decision News ને મળતી માહિતી મુજબ બાળકી ગુમ થઈ ત્યારે તેણે સફેદ અને લાલ ટી-શર્ટ પહેરી હતી.
વાપી ટાઉન પોલીસે બાળકીના ફોટા અને વર્ણન સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શોધખોળ ચાલુ છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈને બાળકી વિશે માહિતી મળે તો તુરંત વાપી ટાઉન પોલીસ મથકનો સંપર્ક કરે. પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે.











