નવસારી: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય પ્રમુખ દ્વારા જીપીએસસીમાં એસસી,એસટી,ઓબીસી ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં જાતિવાદી માનસિકતા ધરાવતા તજજ્ઞો દ્વારા થતાં અન્યાય વિરુદ્ધ મહામહિમ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ વખતે લેવાયેલી પરીક્ષાઓમાં વિવાદનો અખાડો બની છે.જેમાં જાતિવાદી માનસિકતા ધરાવતા તજજ્ઞોએ અનામત કેટેગરીના ઉમેદવારોને ભારે અન્યાય કર્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે અને એના છાંટા ચેરમેન અને જાણીતાં આઈપીએસ હસમુખ પટેલ પર પણ ઉડ્યા છે.આ બાબતે શાસક પક્ષના સિનિયર નેતા હરિભાઈ ચૌધરી,વિરોધ પક્ષના ચૈતર વસાવા,જીજ્ઞેશ મેવાણી સહિતના અનેક નેતાઓએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાતિગત માનસિકતા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ મહામહિમ રાષ્ટ્રપતિને ફરિયાદ કરતા જણાવ્યું છે કે જીપીએસસી દ્વારા અનામતવિરોધી નીતિ અપનાવી એસસી,એસટી,ઓબીસી સમાજના ઉમેદવારો માટે અન્યાયકારક કામગીરી આવી રહી છે તે તાત્કાલિક બંધ થવી જોઈએ અને તેના માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને ઇન્ટરવ્યૂમાં 50% ગુણભાર ધરાવતી તમામ પરીક્ષાઓમાં ઇન્ટરવ્યૂનો ગુણભાર માત્ર 10% જ હોવો જોઈએ તેમજ જીપીએસસીની તમામ પરીક્ષાઓમાં અને સમિતિઓમાં એસસી,એસટી,ઓબીસી સમાજના સભ્યો ફરજીયાત હોવા જોઈએ અને ઇન્ટરવ્યૂમાં નિવૃત કર્મચારીઓને બદલે ચાલુ સરકારી કર્મચારીઓને જ બોલાવવા જોઈએ જેથી ખોટું કરતા પકડાય તો તેઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી થઇ શકે તેમજ દરેક વિભાગમાં રોસ્ટર પ્રથાનું પાલન નિયમિત થાય એનું પણ ધ્યાન રખાવું જોઈએ એવી માંગ કરી છે આ ઉપરાંત એસસી/એસટીના હકઅધિકારો માટે બંધારણીય અનુચ્છેદ 15,16(4),17 તેમજ અન્ય આનુંસંગિક અનુચ્છેદોનું પાલન થાય તે જોવાની સર્વોચ્ય સત્તા તરીકે મહામહિમ રાષ્ટ્રપતિની હોય આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અનામત વર્ગના લોકોને થતો અન્યાય દૂર કરવા માટે વિગતે માહિતીઓ આપતાં 10 જેટલાં મુદ્દાઓ સાથે માંગણીઓ કરેલ છે.

