અંકલેશ્વર: અંકલેશ્વર નર્મદા નદી કાંઠા વિસ્તારના 6 ગામોમાં મોટા પાયે જમીન ધોવાણના કારણે ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા છે. એક અંદાજ મુજબ 2200 એકર જમીન નર્મદા નદીમાં ગરકાવ થઈ ગઈ છે ત્યારે સરકાર વહેલી તકે પ્રોટેક્શન વોલનું નિર્માણ કરે એ જરૂરી છે.પાવન સલીલામાં નર્મદાના કિનારે વસેલ અંકલેશ્વરમાં નદી કિનારે સતત જમીન ધોવાણથી ધરતીપુત્રોની અત્યાર સુધી પોતાની મહામૂલી 2200 થી 2300 એકર જમીન પાણીમાં ગરક થઈ ગઈ છે.સંરક્ષણ દીવાલ ન બનાવતા સતત જમીન ધોવા થી ધરતીપુત્રોને જમીન ગુમાવવાનો વારો આવ્યો છે. ધોવાણના કારણે જમીનની કિંમત ધંતુરીયામાં ભાવ પ્રતિ ફુટ 48 પૈસા, તરિયા ગામ ખાતે ફુટ 75 પૈસા, બોરભાઠા 2.05 રૂપિયા જાહેર કર્યા છે.

ત્યારે ધરતીપુત્રો દ્વારા ઉગ્ર વિરોધ કરતા આજે 33 વર્ષના જમીન ધોવાણ પાછળ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. એક સમયે અંકલેશ્વર શહેરને અડીને વહેતી નર્મદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી હતી. જે હવે પુનઃઅંકલેશ્વર તરફ આવી રહી છે.1992ના વર્ષથી નર્મદા નદીના અંકલેશ્વર તરફ પ્રયાણને લઈ ધરતીપુત્રોએ લડત ચલાવી હતી. જે લડત એક તબક્કે 2012-13 માં રંગ લાવતા સરકારે 4 પેકેજમાં ગેબિયન વોલ ઉભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી. પરંતુ કોંટ્રાક્ટર સાથે વિવાદ ઉભો થતા કોર્ટ મેટર શરુ થતાં જ કામગીરી અટકી પડી હતી. જે આજદિન સુધી શરૂ પણ થઈ નથી. વર્ષ 2017માં ભાડભૂત બેરેજની ઇંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૂકી સંરક્ષણ પાળો ભાડભૂત બેરેજમાં સમાવી લેવામાં આવી હતી.

જે બાદ આજે પણ કામ ભૂમિગત થયું નથી. ભાડભૂત બેરેજમાં બંને તરફના બેરેજ અને તેના દરવાજાના કામ પૂર્ણ થતા 50 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જયારે ભરૂચ તરફના પાળાની 65 ટકા કામગીરી થઇ છે. અંકલેશ્વર કિનારે જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો સાથે વળતરના મુદ્દે સમસ્યા સર્જતા હજુ સુધી સરકાર ખેડૂતો પાસે જમીનનો કબજો મેળવી શકી નથી. અંકલેશ્વરમાં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટથી અંકલેશ્વર તરફ સરકારી જમીન 4 કિમીમાં જ પાળો બન્યા છે. આજે 1992થી અત્યાર સુધી એટલે 33 વર્ષમાં અંકલેશ્વર કિનારે ખેડૂતની 2300 એકર જમીન નર્મદામાં વિલીન થઇ ચુકી છે, ત્યારે ધરતીપુત્રો જમીન ધોવાણ સરકારની સુષ્કતા અને અનદેખીને કારણે થતું હોવાનું કહી સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.