વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકા નજીક મંગળવારના રોજ નેશનલ હાઇવે નં. 48 પર એક ટ્રક પલટી મારી જતાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને હળવો કરવા અને ટ્રકને ખસેડવા માટે બે જેસીબી અને બે ક્રેન મંગાવવી પડી હતી. આ ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર, મુંબઈથી કપાસ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક (નંબર GJ-27-G-9132)ના ડ્રાઇવરે પારડી હાઇવે પાસે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી.
ટ્રકમાં કપાસની ગાંસડી ભરેલી હતી જે પલટી બાદ હાઇવેની બંને બાજુ ફેલાઈ ગઈ હતી. ટ્રક પલટી મારીને રસ્તા પર જ અટવાઈ જતાં અનેક વાહનોના જથ્થાને થંભવું પડયું હતું અને લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ અને હાઇવે પેટ્રોલિંગ ટીમ તત્કાળ સ્થળ પર પહોંચી ગઈ હતી. અધિકારીઓએ બે JCB અને બે ક્રેન બોલાવી ટ્રકને સાઇડમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. કલાકો સુધી ચાલેલી કામગીરી બાદ ટ્રાફિક યથાવત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, પોલીસ દ્વારા સર્વિસ રોડ મારફતે વાહનોને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરાયો હતો.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીની માહિતી નથી, પરંતુ ટ્રકનો ડ્રાઈવર ઘટનાના થોડા સમય પછી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.Decision News ને મળેલ માહિતી મુજબ આ સમગ્ર ઘટના આગળ જતા વાહનમાં બેઠેલા યુવકોના મોબાઇલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઇ શકાય છે કે, ટ્રક બે ત્રણ વાર ગોથા ખાઇને ડિવાઇડર બાજુ ઊંધી વળી જાય છે.

