વલસાડ: શું થઈ રહ્યું છે ભૂપેન્દ્ર પટેલના શાસનમાં.. ગુજરાતમાં નકલીઓનો રાફડો ફાટ્યો છે. નકલી પોલીસ, નકલી કચેરી, નકલી કોલેજ, નકલી પીએ, નકલી PMO અધિકારી બાદ દક્ષિણ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં નકલી મામલતદારની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision News ને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વલસાડ કલેક્ટર કચેરીમાં નોકરી અપાવવાના બહાને 12 પાસ નિમિષા ચૌધરી લોકો સાથે ઠગાઈ કરતી હતી. તે મામલતદારનું નકલી ID બતાવી લોકોને વિશ્વાસમાં લેતી હતી ત્યારબાદ પૈસા ખંખેરતી હતી. નકલી ડેપ્યુટી મામલતદાર યુવતીએ ઉદવાડાના માનવ પટેલને કલેક્ટર ઓફિસમાં PA તરીકેની નોકરીની લાલચ આપી 4.75 લાખ રૂપિયા પડાવ્યા હતા. કપરાડાના વાજવડના ગુંજેશ પટેલ પાસેથી ડ્રાઈવરની નોકરીના બહાને રૂ.39 હજાર લઈ લીધા હતા. જ્યારે યુવતીએ બીલીમોરાના રાહુલ પંચોલી પાસેથી રૂ. 4.13 લાખ અને પારડીના સામરપાડાના મિલન પટેલ પાસેથી 31800 રૂપિયા પડાવ્યા હતા.
લગભગ 4 લોકો સાથે 9.58 લાખની છેતરપિંડી કરી છે. હાલમાં વલસાડની આ નકલી મહિલા મામલતદારને પોલીસ દ્વારા ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે. નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ અને નકલી ડોક્ટર પકડાવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે આ વખતે નકલી મહિલા અધિકારી પકડાઈ છે.

