કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સામે આદિવાસી સમાજની 34 દુકાનો અને 7 ઘરો પર બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવ્યા હતા. આ અન્યાયના વિરોધમાં 22 મે, 2025ના રોજ સ્થાનિક આદિવાસી સમાજે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપવા રેલીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માટે પરમિશન માગવામાં આવી હતી, પરંતુ પોલીસે પરમિશન આપી ન હતી. છતાં, ભારતીય બંધારણની કલમ 19(1)(a) હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તેમજ શાંતિપૂર્ણ રીતે એકઠા થવાના અધિકાર (કલમ 19(1)(b))નો ઉપયોગ કરી, સ્થાનિક લોકોએ રેલી યોજી હતી.
આ રેલી દરમિયાન, પોલીસે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વિડિયો ઉતારતા યુવાનો સાથે ટ્રાફિક PSI ઉમેશભાઈએ અભદ્ર વર્તન કર્યું અને એક યુવાનનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો, જેમાં તેમણે કહ્યું, “નવાઇના મોબાઇલ આવી ગયા છે, ફટ… ફટ… ફટ.” કહી ત્રણે એક યુવાનો વીડિયો ઉતારી રહ્યાં હતા એ દરમિયા પોલીસ અધિકારી દ્વારા મોબાઇલમાં હાથ લગાવી મોબાઇલ ફેંકી દે છે, આ ઘટનાએ પોલીસની વર્તણૂક પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વિડિયો ઉતારવાનો અધિકાર અને બંધારણ
ભારતીય બંધારણની કલમ 19(1)(a) દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, જેમાં જાહેર સ્થળોએ વિડિયો રેકોર્ડ કરવાનો અધિકાર પણ સામેલ છે, જ્યાં સુધી તે જાહેર શાંતિ, નૈતિકતા કે કાયદાનું ઉલ્લંઘન ન કરે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા (2003)માં સુપ્રીમ કોર્ટે નાગરિકોની અભિવ્યક્તિ અને ગોપનીયતાના અધિકારો પર ભાર મૂક્યો હતો. ન્યાયાલયોએ સ્પષ્ટ કર્યું છે કે આવા અધિકારો પર અન્યાયી પ્રતિબંધ લગાવી શકાય નહીં. આ ઉપરાંત, આર. બસન્ત વિ. યુનિયન ઓફ ઇન્ડિયા (2014)માં, કેરળ હાઇકોર્ટે જણાવ્યું હતું કે જાહેર સ્થળે રેકોર્ડિંગ કરવું એ સામાન્ય રીતે કાયદેસર છે, જો તે ખાનગી અધિકારોનું ઉલ્લંઘન ન કરે.
પોલીસની ભૂમિકા પર સવાલ..
પોલીસનું આ અભદ્ર વર્તન અને મોબાઇલ તોડવાની ઘટના નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાય છે. આદિવાસી સમાજે માગણી કરી છે કે ટ્રાફિક PSI ઉમેશભાઈ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઘટના બંધારણની જોગવાઈઓ અને ન્યાયાલયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન દર્શાવે છે, જે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે.

