ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉંટિયા ગામેથી પોલીસે દેશી દારૂ અને ભઠ્ઠીમાં દારૂ ગાળવાના વોસ અને ફટકડી સહિત કુલ રૂપિયા 104300 ના મુદ્દામાલ સાથે દારૂ ગાળવાના ગુના હેઠળ એક ઇસમને ઝડપી લીધો હતો. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ઉંટિયા ગામનો અલ્પેશભાઇ ઉર્ફે લાલો કાન્તિભાઇ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને તેમાં દેશી દારૂ ગાળીને તેનું વેચાણ કરે છે.

પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા ત્યાં છાપરાની નીચે બે ચુલા બનાવીને એલ્યુમિનિયમના તગારા પીપ અને પાઇપોના ઉપયોગથી ભઠ્ઠી બનાવી હતી, છાપરામાં અને છાપરા બહાર મળીને કુલ ત્રણ ભઠ્ઠી બનાવેલ હતી,અને તેનાથી દારૂ બનાવાતો હતો. પોલીસ તપાસ દરમિયાન નાનામોટા કુલ 8 જેટલા કાર્બાઓમાં તેમજ ચાર મીણીયા કોથળાઓમાં રાખેલ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ દેશી દારૂ મળી આવ્યો હતો, તથા છાપરાથી થોડે દુર ઝાડી ઝાંખરમાંથી મળેલ 45 જેટલા બેરલોમાં દારૂ ગાળવાનો વોશ તેમજ બે મીણીયા થેલાઓમાં ભરેલ ફટકડી મળી આવેલ હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ પોલીસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સ્થળ ઉપરથી મળી આવેલ દેશી દારૂ લીટર 190 કિંમત રૂપિયા 38000, દારૂ ગાળવાનો વોસ લીટર 2250 કિંમત રૂપિયા 56200, ફટકડી કિલો 45 કિંમત રૂપિયા 2250, ગરમ વોસ લીટર 300કિંમત રૂપિયા 7500 તેમજ એલ્યુમિનિયમના ત્રણ તગારા કિંમત રૂપિયા 300 મળી કુલ રૂપિયા 104300 ના મુદ્દામાલ સાથે અલ્પેશભાઇ કાન્તિભાઇ વસાવા રહે.ગામ ઉંટિયા તા.ઝઘડિયા જિ.ભરૂચનાને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.